Tuesday, December 22, 2020

ઝાકળ ભરી સવાર....

આ ૨૦૨૦ ના વર્ષે આપણને જીવન ની ઘણી માઠી યાદો આપી છે પરંતુ આ મહામારી દરમિયાન મને ઘણી મીઠી યાદો પણ મળી છે.
મારું રહેઠાણ અમદાવાદ શહેર અને મોસાળ એક નાનકડું ગામડું. એટલે દિવાળી વેકેશન, ઉનાળું વેકેશન કે બીજાં કોઈ દિવસો દરમિયાન પણ જો 3 કે 4 થી વધુ રજાઓ મળે કે તરત ગામડે જવાનું નકકી, પણ આ વખતે કોરોના મહામારી નાં કારણએ ઉનાળું વેકેશન આખું ઘરની ચાર દીવાલોજ માં વિત્યું. ને લાગ્યું કે
आज परिंदे भी इन्सान को देख मुस्कराए है
जो उन्हें केद करते थे आज खुद पिंजरे में आए है।

પણ જેવું અનલોક થયું ને મોસાળમાં જવાની તાલાવેલી જાગી, ને નકકી થયું કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ગામડે જ ઉજવવી. નકકી કર્યા મુજબ જન્માષ્ટમીનાં 4 દિવસ પહેલાં જ ગામડે પહોંચી ગયાં. પણ જેનો આનંદ માણવા અમે ગયાં હતાં તે શક્ય જ ન બન્યું કારણ કે પહોંચી તો ગયાં પણ ત્યાં વર્ષા રાણીનું આગમન થયું. એક દિવસ વિત્યો, 2 દિવસ વિત્યા ને ત્રીજાં દિવસે પણ એવો જ ધોધમાર વરસાદ ચાલું રહ્યો. 3 દિવસથી વરસાદ ચાલું હતો સૂરજદાદા દર્શન આપે એવો કોઈ અણસાર જણાતો નહોતો ને વીજળી પણ ગુલ. સાંજનાં સમયે અંધારુ થાય એ પહેલાં જમી લેવાની ઉતાવળે હજી તો સૌની થાળી જ પિરસાઈ છે ને તરત જ થયેલ એ વીજળીનો કડાકો, થોડાં સમય પૂરતું તો એવું લાગ્યું જાણે કે બારે મેઘ ખાંગા થયા જ સમજો, એક તરફ કોરોના મહામારી ને બીજી તરફ ધોધમાર વરસતો વરસાદ આવી પરિસ્થિતિ ને એની ચિંતામાં સૌ સુઈ ગયાં. આ દિવસો એમ પણ યાદગાર તો બની જ ગયાં હતાં પણ કોને ખબર હતી કે બીજાં દિવસની સવાર તો જીવનનું સૌથી યાદગાર અને રમણીય દ્રશ્ય લઈને આવવાની છે. 

બીજે દિવસે વહેલાં પરોઢિયે સૂરજદાદાનું એ પહેલું કિરણ સૌના માટે આશાનું કિરણ હોય એ રીતે બહાર આવ્યું, ને સૂર્યનાં એ પહેલાં કિરણ સાથે કેસરી ચાદર ઓઢી હોય એવું આકાશ ને જાણે ચોમાસામાં વાદળોની પાછળ સંતાયા પછી ઘણા દિવસથી ન જોએલા સૂરજ દાદાને આવકારતા હોય એમ મોર અને કોયલ નો મધુર ટહુકો, સવાર સવારમાં ચરવા નીકળેલી ગાયોનું ધણ પણ દિવસો પછી બહાર નીકળવાની ખુશી જાહેર કરીને ભાંભરી રહ્યું હતું. પોતાનો આનંદ જાહેર કરવામાં બાકાત ન રહેવા માંગતા હજારોની સંખ્યામાં નિકળેલાં પંખીઓના ઝુંડનો મીઠો કલરવ, દરેક ઝાડ, છોડ, ક્ષુપ, અને વેલાઓ પર બાઝેલા એ ઝાકળ બિંદુ જાણે કે કુદરતનાં અમૂલ્ય મોતી. હજી તો આ દ્રશ્ય પુરું નિહાળવાનું પણ બાકી હતું ને આવેલા હવા ઝોકાંએ એ મોતીઓને ખેરવી દીધાં ને એ સાથે જ એક મોતી આંગળી પર આવી પડ્યું ને મને એ મોતીને હંમેશાં માટે કેદ કરવાનો લ્હાવો મળી ગયો.

No comments:

Post a Comment

મનને ભાવે છે

અનેક રંગોથી રંગાયેલી હું છતાંય, પ્રકૃતિનો રંગ મનને ભાવે છે. પ્રતિબિંબ છલકાવતી ટાઇલ્સ કરતાં શિલાની સુંદરતા મને ફાવે છે. સુંવાળા મલમલના સોફા, ...