તિગ્માંશુનું તેજ કયાં બની શકાય છે?
'હું' માત્ર નાનકડી દિવડી બનવા ઇચ્છું છું.
દિવાકરની દિવ્યતાથી દંગ રહી જવાય છે,
છતાંય એને મારા દગમાં સમાઈ લેવાં ઈચ્છું છું.
કિરણમાલીના કિરણોથી વસુધા કંચન થઈ જાય છે,
'હું' એ કંચનનો નાનાકડો કણ બનવા ઇચ્છું છું.
ચિત્રભાનુ જેવું ચિત્ર રચવું અઘરું છે
'હું' એ ચિત્રના રંગનો છાંટો બનવા ઇચ્છું છું.
આદિત્યના અજવાશથી આંખો અંજાઈ જાય છે
એટલે જ સૂર્યાસ્તનાં બહાને સમી સાંજની સુંદરતા જોવાં ઇચ્છું છું.
ભાસ્કરની ભવ્યતા બનવું અશક્ય છે,
'હું' સૂર્યાસ્તની લાલીમા બનવા ઇચ્છું છું.
રત્નાકર તટનો સૂર્યાસ્ત તો ખાલી બહાનું છે,
'હું' નભ અને ધરાનું મિલન જોવાં ઇચ્છું છું.
અસ્તાચળ અને અર્કને આંબી ક્યાં શકાય છે?
'હું' વિદાય થતાં વિભાકરની વાતો સાંભળવા ઇચ્છું છું.
ભાનુ સાથે ભુતકાળ ભુલી,
રવિની રખેવાળીમાં રંજ ભુલી,
મરિચીથી મુગ્ધ થઈ,
'હું' 'મને' શોધવા ઇચ્છું છું.
-પ્રાર્થના
No comments:
Post a Comment